બારડોલી જનતા કો-ઓ.ક્રેડિટ સોસાયટીની સંસ્થાની સ્થાપનાને ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને સંસ્થાએ પચ્ચીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ચોવીસ વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપનાંનો મુળ ઉદેશ બારડોલી નગર તથા સંસ્થાનાં કાર્યક્ષેત્રમાં રહેતાં લારીવાળા, ટોપલો લઇને શાકભાજી વેચવાવાળા જેઓ પોતે ઉંચા વ્યાજે, વ્યાજ ખોરો પાસેથી પૈસા લઇ પોતાનો ધંધો કરી પેટીયુ રળતા હતા. આ વાત અચાનક સંસ્થાનાં સ્થાપક પ્રમુખ સ્વ.પ્રબોધભાઇ નાયક તથા સ્થાપક ઉપપ્રમુખ સ્વ.પ્રેમજીકાકાનાં કાન ઉપર પડી. આ લોકો રોજનું જેટલુ કમાતા તેનાં ૫૦ ટકા ઉપર તો વ્યાજમાં આપી દેતા. ત્યાર બાદ સ્વ.પ્રબોધભાઇ નાયક, સ્વ.પ્રેમજીકાકા, તથા શ્રી હર્ષદભાઇ મૈસુરીયાએ ભેગા મળી ચર્ચા કરી કે આ સામાન્ય લોકો માટે કંઇ કરવું જોઇએ ? શ્રી હર્ષદભાઇ મૈસુરીયાએ એક નવી સહકારી મંડળી ચાલુ કરવાનું સુચન કર્યુ. અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ નગરનાં જાગૃત નાગરિકોનાં સહકારથી તા.૨૯-૦૪-૨૦૦૦નાં રોજ મંડળીની રજિસ્ટ્રેશન નંબર સા.૩૩૯૦થી સ્થાપનાં થઇ. પરંતુ તે સમયે સભાસદો એકઠા કરવાનું કામ ઘણું કઠિન હતુ. સંસ્થાનાં રજિસ્ટ્રેશન બાદ શેરભંડોળ એકત્રીત કરતી વખતે સ્થાપકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પણ જોકે કોઇ પણ સર્જનનો દઢ સંકલ્પ લેનાર પ્રામાણિક અને પ્રતિભાશાળી હોય તો એકલા હાથે પણ નૈયા પાર કરી શકે છે. કારણ કે નિષ્ઠાયુક્ત પુરુષાર્થમાં અદભુત આકર્ષણ હોય છે. સ્થાપક પ્રમુખશ્રી સ્વ.પ્રબોધભાઇ નાયકનાં નેતૃત્વ હેઠળ સંસ્થાનાં સ્થાપકોએ સતત મહેનત કરી અને એકદમ ટુંકા સમયમાં સંસ્થાની પ્રગતિ આજે આપની સમક્ષ છે.રજિસ્ટ્રેશન પહેલાં વર્ષ ૨૦૦૦માં સંસ્થાનાં સ્થાપક ડિરેકટર શ્રી હરકાંતભાઇ પારેખે ૬ માસ સુધી વગર ભાડાથી નારાયણ ચેમ્બર્સમાં પોતાની દુકાન સેવા માટે આપી હતી અને ત્યાંથી સુચિત મંડળી તરીકે કામગીરી શરૂ કરી હતી. સ્થાપક માનદમંત્રીશ્રી હર્ષદભાઇ મેસુરીયા તથા સ્થાપક ડિરેકટર સ્વ.પ્રફુલભાઇ દેસાઇએ તે સમયે જાતે ઘરે ઘરે જઇ શેરનાં નાણાં ઉઘરાવી સેવા આપી હતી. રજિસ્ટ્રેશન બાદ સંસ્થાએ મુદિત પેલેસમાં ભાડાની ઓફિસ રાખી તા. ૨૬-૦૮-૨૦૦૦નાં રોજ શરૂઆત કરી હતી. આ ૨૪ વર્ષમાં એકરાગીતાથી મધ્યમ અને સામાન્ય વર્ગનાં માણસોને મદદરૂપ થવાની ભાવના સાથે, કોઇ પણ જ્ઞાતિ કે જુથનાં વર્ચસ્વ વગર કોઇ પણ પ્રકારનાં ભેદભાવ વિના તમામ સભાસદોને આર્થિક રીતે પગભર થવામાં સંસ્થા હંમેશા અગ્રેસર રહી છે.સંસ્થાનો બારડોલી નગરનાં વિકાસમાં અમૂલ્ય ફાળો છે. સંસ્થાએ શરૂઆત થી આજ દિન સુધી “અ” વર્ગ પ્રાપ્ત કરેલ છે. સંસ્થાનાં કુલ ૭૫૭૯ જેટલાં સભાસદો છે. મંડળીની જ્યારે ૨૪ વર્ષ પહેલાં શરૂઆત થઇ ત્યારે ૮૬ લાખ સભાસદ થાપણ હતી. અત્યારે કુલ સભાસદ થાપણ રૂ. ૮૭ કરોડ જેટલી છે, અને રૂ.૫૭ કરોડ ધિરાણ મળી કુલ ૧૪૪ કરોડનો બિઝનેસ છે. સંસ્થા દર વર્ષે પ્રગતિ કરી રહી છે. વર્ષ ૨૦૧૧માં સંસ્થાએ ૧૦ વર્ષ પૂર્ણ કરી ગૌરવભેર દશાબ્દિ વર્ષની ઉજવણી કરી હતી, જેમાં તમામ માજી ડિરેકટર્સશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. અને સંસ્થા માટે તેમણે આપેલ સેવાની નોંધ લેવામાં આવી હતી. સંસ્થાએ ૨૦૦૭-૦૮માં એકદમ ટુંકા ગાળામાં પોતાની ઓફિસ મુદિત પેલેસમાં ખરીદી હતી. સંસ્થાની વધતી જતી કામગીરી અને વિકાસને ધ્યાનમાં લઇ તમામ જરૂરી મંજુરી મેળવી પરશુરામ નગર, સ્વામિનારાયણ મંદિર સામે , બારડોલીમાં વર્ષ ૨૦૧૫માં જમીન ખરીદીને સભાસદોની સુવિધા માટે “સમુત્કર્ષ ભવન” તૈયાર કર્યુ અને તેમાં ૯૦૦ જેટલાં લોકરોની સુવિધા પણ કરવામાં આવી છે. સંસ્થાએ ૨૪ વર્ષનાં ગાળામાં સભાસદોનાં અભૂતપૂર્વ સહકારથી ઉત્તમ કાર્યશૈલી અને સભાસદોનાં હિતની સદા હિતચિંતક એવી નિતી રીતીઓ તથા દીર્ધ દ્રષ્ટિપૂર્વકનાં આયોજનને કારણે મંડળી તેનાં હેતુઓને સાકાર કરવાની દિશામાં નોંધનીય રીતે આગળ વધી રહી છે. સને ૨૦૧૯-૨૦નાં વર્ષ માટે સુરત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી માટે સુરત જિલ્લા સહકારી સંઘ, સુરત દ્વારા આયોજિત શિલ્ડ હરીફાઇમાં આપણી સંસ્થાને પ્રથમ ક્રમ મળ્યો હતો, તેનો શ્રેય તમામ સભાસદ ભાઇ બહેનોએ સંચાલક મંડળ પર મુકેલો વિશ્વાસ અને કર્મચારીગણની કામગીરી તથા સભાસદોને જાય છે. કોઇ પણ રાજ્ય કે દેશનાં વિકાસમાં સહકારી ક્ષેત્રનો ફાળો સવિશેષ હોય છે.સમાજનાં નાના વર્ગો માટે એક તાંતણે બંધાઇ સ્વ સાથે સર્વનો વિકાસ કરવાનું પ્લેટફોર્મ એટલે સહકારી ક્ષેત્ર. માત્ર આર્થિક બાબતોને બદલે સામાજિક દાયિત્વનું વહન પણ સહકારી ક્ષેત્રે કરવામાં આવે છે. સંસ્થાએ આ ૨૪ વર્ષ દરમ્યાન સ્કુલ, કોલેજ, હોસ્પિટલ, સેવાકીય ટ્રસ્ટો વિગેરેને જરૂરી આર્થિક રીતે સહાયરૂપ થયા છે. સંસ્થાએ સામાજિક ઉત્તરદાયિત્વ સમજી તા.૨૨-૦૪-૨૦૨૩નાં રોજ “શ્રી અન્ન મહોત્સસવ ”નું સફળ આયોજન કર્યુ હતુ.અને દરેક સભાસદો પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે મિલેટસનાં લોટની કિટ (બાજરી, જુવાર, જવ, નાગલી) તથા મિલેટસની રેસીપી તથા મિલેટસનાં ફાયદા દર્શાવતી પુસ્તિકાનું વિતરણ કર્યુ હતુ. આ આયોજન કરનાર ગુજરાતની કુલ ૮૭૨૦૧ મંડળીમાંથી પ્રથમ આપણી બારડોલી જનતા કો-ઓ.ક્રેડિટ સો.લિ.હતી, આ સેવાકીય પ્રવૃતિ થકી આપણી સંસ્થા સામાજિક જવાબદારી અદા કરવામાં મોખરે રહી છે
Demo